
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે નેશનલ ઓટોમેટેડ કલીયરીંગ હાઉસ ( NACH ) ની સુવિધામાં મહત્વનો ફેરફાર કર્યો છે. તેનો ફાયદો ઓગસ્ટ મહિનાથી મળવાનો શરૂ થશે.
સૌથી પહેલા એ જાણી લઈએ કે NACH શું છે અને તે કેવી રીતે કામ કરે છે. NACH ( National Automated Clearing House ) એ એક બલ્ક પેમેન્ટ સીસ્ટમ છે. જેનું ઓપરેશન National Payment Corporation OF India (NPCI) સંભાળે છે. NACH નો ઉપયોગ સરકારી વિભાગ અને કંપનીઓના લોકોના ખાતામાં સેલરી, પેન્શન, સબસીડી વિગેરે ચુકવણી માટે કરાય છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકોના ખાતામાંથી લોનની EMI , ઈન્સ્યોરન્સ પ્રિમિયમ, મ્યુચ્યુઅલ ફંડનો હપ્તો, વિજળી, પાણી, ફોન અને ગેસના બિલ ઓટોમેટિક રીતે બાદ થઈ જાય છે, અને આ સુવિધા દ્વારા સમયસર ચુકવણી પણ થઈ જાય છે. પરંતુ તેમાં હજી એક અડચણ છે.

લોકોની મુશ્કેલીઓને જોતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ NACH ને પુરા વર્ષ સપ્તાહના સાત દિવસ ચલાવવાની જાહેરાત કરી છે. આ સુવિધા પહેલી ઓગસ્ટ, 2021થી ચાલુ થઈ જશે. રીઝર્વ બેંકનું કહેવું છે કે RTGS ની સુવિધા સપ્તાહના સાતેય દિવસ શરૂ કરી દેવામાં આવી છે. તેનો ફાયદો ઉઠાવીને NACH ને પુરા વર્ષ દરમિયાન ચલાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ પગલાથી ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

શુક્રવારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની જાહેરાત કરી હતી, તેમાં વ્યાજના દર અને ચાવીરૂપ દરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. સાથે કહ્યું છે કે તે સતત લિકવિડિટી વધારવાનો પ્રયત્ન કરશે.