કોરોનાકાળમાં ગુજરાત વિદેશી રોકાણ આકર્ષવામાં પ્રથમ ક્રમે

by Investing A2Z

કોરોનાકાળમાં ગુજરાત નાણાકીય વર્ષ 2020-21માં 37 ટકા વિદેશી રોકાણ સાથે સતત ચોથા વર્ષે ટોચ પર રહ્યું છે. દેશભરમાં કમ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ વિદેશી રોકાણનો 78 ટકા હિસ્સો એકલા ગુજરાતમાંથી આવ્યો છે. ભારતમાં 2019-20ના વર્ષના 74.39 બિલિયન અમેરીકી ડોલર એફડીઆઇની તુલનાએ 10 ટકા વધું 2020-21 દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ 81.72 બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ 2020-21માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી 37 ટકા  FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર રહ્યું છે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ સતત બીજા વર્ષે ગુજરાતે દેશભરમાં સૌથી વધુ એફડીઆઇ મેળવવાની આ સિદ્ધી પ્રાપ્ત કરી છે.

આ નાણાકીય વર્ષ 2020-21 દરમ્યાન ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં 94 ટકા જેટલું આવ્યું છે. આ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ 78 ટકા છે. આ ક્ષેત્રે આવેલા એફડીઆઇમાં ગુજરાત પછીના ક્રમે રહેલા રાજ્યોમાં કર્ણાટક માત્ર 9 ટકા અને દિલ્હી 5 ટકા એફડીઆઇ હિસ્સો ધરાવે છે.

નાણાકીય વર્ષ 2020-21માં 37 ટકા વિદેશી રોકાણ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમ છે, ત્યારબાદના ક્રમે રહેલા મહારાષ્ટ્રમાં 27 ટકા અને કર્ણાટક 13 ટકા વિદેશી રોકાણ આવ્યું છે. એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર કરતાં 10 ટકા અને કર્ણાટક કરતાં 24 ટકા વધુ વિદેશી મુડી રોકાણ સાથે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી ટ્રાન્સપેરેન્ટ પૉલીસી તથા વિવિધ ઇન્સેન્ટીવ્સના પરિણામે દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.

ગુજરાતમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે. ઇન્ડસ્ટ્રીઝ પૉલિસી 2.0માં ઊદ્યોગોને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે, તેની ફલશ્રુતિએ કોરોના સંક્રમણના આ કપરા વર્ષો દરમિયાન પણ રાજ્યમાં આવેલા એફડીઆઇમાં માતબર વધારો થયો છે. ભારતમાં 2019-20ના વર્ષના 74.39 બિલિયન અમેરીકી ડોલર એફડીઆઇની તુલનાએ 10 ટકા વધુ 2020-21 દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ 81.72 બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને વિવિધ રાજ્યોના તેમાં પ્રદાન અંગેની વિગતો જાહેર કરતાં એક યાદીમાં જણાવ્યું છે કે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)માં અસરકારક નીતિ સુધારણા, રોકાણની સુવિધા તેમજ સરળ વ્યવસાયિક નીતિઓને કારણે તેમજ  સરકાર દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાઓના પરિણામે દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે. આવા વિવિધ પગલાઓને કારણે ભારત વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

Related Posts

Leave a Comment