પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચના મુખ્ય કમીશનર સુનિલ અરોડાએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન અને મતગણતરીની તારીખોની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થશે. આસામમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. કેરળ, પુડુચેરી અને તામિલનાડુમાં એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થશે. તમામ રાજ્યોમાં મતગણતરી 2 મેએ થશે, આમ તમામ રાજ્યોના પરિણામ 2 મેએ આવશે. આસામ અને પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન થશે. બંગાળમાં 29 ઓપ્રિલના રોજ આઠમાં તબક્કામાં મતદાન થશે.
પાંચ રાજ્યોની કુલ મળીને 824 વિધાનસભા બેઠકો પર ચૂંટણી થશે. 18.6 કરોડ મતદારો 2.7 લાખ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાં એકલા પશ્ચિમ બંગાળમાં જ 1 લાખથી વધુ મતદાન કેન્દ્ર હશે.
કોરોના મહામારીને ધ્યાને લેતા ગાઈડલાઈન્સનું પાલન કરીને જ મતદાન થશે. અને મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. ડિપોઝીટની રકમ ઓનલાઈન જમા કરવાની રહેશે. ઉમેદવાર સહિત વધુમાં વધુ 5 લોકો જ ઘરઘરે જઈને મત માંગી શકશે. ચૂંટણી સંદર્ભે જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1950 જાહેર કરાયો છે.
પુડુચેરીમાં કોઈપણ ઉમેદવાર વધુમાં વધુ 22 લાખનો ચૂંટણી પ્રચાર પર ખર્ચ કરી શકે છે. તેમજ બાકીના ચાર રાજ્યોમાં કોઈપણ ઉમેદવાર વધુમાં વધુ 28 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકે છે.
આસામ
આસામમાં 3 તબક્કામાં મતદાન થશે, જેમાં પ્રથમ તબક્કા 47 બેઠકો પર 27 માર્ચે મતદાન થશે, બીજા તબક્કામાં 49 બેઠકો પર પહેલી એપ્રિલે મતદાન અને ત્રીજા તબક્કામાં 48 બેઠકો પર 6 એપ્રિલે મતદાન થશે. બીજી મેના પરિણામ આવશે.
કેરળ
કેરળમાં એક જ તબક્કામાં મતદાન થશે. કેરળમાં કુલ 140 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થશે અને બીજી મેના રોજ મતગણતરી થશે, તેમાં મલપ્પુરમ લોકસભા બેઠક માટે 6 એપ્રિલે જ મતદાન થશે.
તામિલનાડુ
તામિલનાડુમાં એક જ તબક્કામાં વોટિંગ થશે. જેમાં કુલ 234 બેઠકો પર 6 એપ્રિલે મતદાન થશે, અને બીજી મેએ પરિણામ આવશે.
પુડુચેરી
પુડુચેરીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. કુલ 30 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થશે અને બીજીએ મતગણતરી હાથ ધરાશે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં કુલ 8 તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરી છે. કુલ 294 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર 27 માર્ચે મતદાન થશે. બીજા તબક્કામાં 30 બેઠકો પર 1 એપ્રિલ, ત્રીજા તબક્કામાં 31 બેઠકો પર 6 એપ્રિલ, ચોથા તબક્કામાં 44 બેઠકો પર 10 એપ્રિલ, પાંચમાં તબક્કામાં 45 બેઠકો પર 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો પર 22 એપ્રિલ, સાતમાં તબક્કામાં 36 બેઠકો પર 26 એપ્રિલ અને છેલ્લો આઠમા 35 બેઠકો પર તબક્કામાં 29 એપ્રિલે મતદાન થશે. પરિણામ બીજી મેએ આવશે.
ચાર રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ મે અને જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે. પુડુચેરીમાં વિશ્વાસ મત પર મતદાન સમયે મુખ્યપ્રધાન વી નારાયણસામીએ રાજીનામું આપી દીધુ, જેથી કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર પડી ગઈ હતી. ત્યાં વિધાનસભા ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આસામ વિધાનસભાનો કાર્યકાળ 31 મે, તામિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ 24 મે, પશ્ચિમ બંગાળનો 30 મે, કેરળમાં એક જૂન અને પુડુચેરીમાં 8 જૂને પૂર્ણ થાય છે.
તુણમુલ કોંગ્રેસના મમતા બેનર્જિ હાલ પશ્ચિમ બંગાળ પર સત્તા પર છે. અહીંયા ભાજપે છેલ્લા પાંચ વર્ષથી આક્રમક રીતે પ્રચારકાર્ય કરી રહ્યું છે. તેને જોતા મુખ્ય મુકાબલો ટીએમસી અને ભાજપ વચ્ચે મનાઈ રહ્યો છે. ભાજપના તમામ મોટા નેતાઓ પશ્ચિમ બંગાળમા મોટી રેલી કરી રહ્યા છે. ઓપિનિયન પોલ અનુસાર ભાજપ અને મમતાની પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે.
કેરળમાં ભાજપના મેટ્રો ટ્રેનના નામથી મશહુર ઈ. શ્રીધરનને લઈને મોટો દાવ ખેલી રહી છે. પાર્ટી અહીંયા કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચેના મુકાબલામાં વધુ મજબૂતીથી ઉતરવાની તૈયારીઓમાં છે. તામિલનાડુમાં ભાજપે રાજ્યની સત્તાધારી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કન્ડગમ(એઆઈએડીએમકે)ની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.