
રાજીનામું આપતી વખતે દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે મને જ્યારે બેસ્ટ સાંસદનો એવોર્ડ મળ્યો, ત્યારે મે કહ્યું હતું કે મારા માબાપે મને તેની લાયક બનાવ્યો છે. આજે આપણે જોઈએ છીએ કે પુરી દુનિયા હિન્દુસ્તાનની સામે જોઈ રહી છે. ખૂબ જ સરસ રીતે બધા મળીને કામ કરી રહ્યા છે. વડાપ્રધાનને તેની ક્રેડિટ જઈ રહી છે, કારણ કે તેમનું નેતૃત્વ છે. અમારા પ્રદેશમાં જે રીતે હિંસા થઈ રહી છે, તેનાથી મને અજીબ લાગે છે. હું એવા પ્રદેશમાંથી આવું છું કે જ્યાંથી રવિન્દ્રનાથ ટાગોર અને ખુદીરામ બોઝ જેવા લોકો આવે છે.

દિનેશ ત્રિવેદીના રાજીનામા પછી ટીએમસી સાંસદ સુખેન્દ્ર રોયે કહ્યું હતું કે તુણમુલનો અર્થ થાય છે કે જમીનથી જોડાયેલા. ત્રિવેદીના રાજીનામા પછી હવે અમે ઝડપથી રાજ્યસભામાં જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાને મોકલવાની તક મળશે.
દિનેશ ત્રિવેદી 2009થી 2019 સુધી બંગાળની બૈરકપુર બેઠકમાં લોકસભાના સાંસદ રહ્યા હતા. તે પછી તેમને 2020માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. ત્રિવેદી પહેલી બે વાર 1990-96 અને 2002-2008 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે કેન્દ્રમાં મનમોહનસિંહની સરકારમાં 2010થી 2011 સુધી સ્વાસ્થ્ય રાજ્યકક્ષાના પ્રધાન અને ત્યાર પછી 2011થી 2012 સુધી રેલવેપ્રધાનની જવાબદારી સોપાંઈ હતી. તેમને 2016-17ના સત્રમાં બેસ્ટ સાંસદનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દેશના પૂર્વ રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદીએ પોતાની રાજકીય સફરની કોંગ્રેસથી શરૂ કરી હતી, અને પછી તેઓ જનતાદળમાંથી મમતા બેનર્જિની પાર્ટી ટીએમસીમાં જોડાયા હતા. મમતા બેનર્જિના નજીકના નેતામાં દિવેશ ત્રિવેદીનું નામ મુકાય છે. દિનેશ ત્રિવેદીના રાજીનામા પછી મમતા દીદીને ઝાટકો વાગ્યો છે. તેમનો સાથ છોડીને કેટલાય નેતાઓ જતા રહ્યા છે. તેમ છતાં તેમની ખુમારી હજી એવીને એવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માર્ચ એપ્રિલમાં આવી રહી છે. તે પહેલા છેલ્લા પાંચ વર્ષથી ભાજપ પ્રચારમાં લાગી ગયું છે, અને ભાજપે બંગાળમાં એક મોટી ટીમ ખડકી દીધી છે, જે મમતાના સમર્થકોને ખેરવી રહી છે અને ચૂંટણીપ્રચાર માટે સાયબર વૉર શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળ જવાનો એક પણ મોકો ચુકતા નથી. ભાજપને યેનકેન પ્રકારે પશ્ચિમ બંગાળ કબજે કરવું છે.