કોરોનાની વૈશ્વિક મહામારી સામે કોરોના વાયરસ વિરોધી વેક્સિન શોધવા માટે દુનિયાના તમામ દેશોની વૈજ્ઞાનિકોની રીસર્ચ ટીમ કામે લાગી ગઈ છે, અનેક સ્થળોએ સારા સમાચાર મળી રહ્યા છે. પરંતુ નક્કર કહી શકાય તે રીતે છાતી ઠોકીને કહી શકાય કે હા આ કોરોનાની રસી છે, તેનાથી કોરોના થશે જ નહી અને થયો હોય તો મટી જશે. આવું પરિણામ હજી બહાર આવ્યું નથી. આ સંજોગો વચ્ચે ગુજરાતમાંથી ગુડ ન્યૂઝ મળ્યા છે. ડીસીજીઆઈએ ગુજરાતની ઝાયડસ કેડિલાને કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ કરવાની પરવાનગી આપી છે.
ગુજરાતની પ્રતિષ્ઠિત કંપની ઝાયડસ કેડીલા દ્વારા કોરોના વાયરસ થી બચવાના ઉપાયરુપે વાયરસ વિરોધી રસી બનાવવાના પ્રયાસો હાથ ધર્યો હતો, જેમાં તેઓએ કોરોના વાયરસના સ્પાઇક પ્રોટિનના જીન્સને એંનકોડ કરી રસી તૈયાર કરવામાં સફળતા મેળવીને ગુજરાતને મેડીકલ હબ ક્ષેત્રે નવતર આયામનો પ્રયાસ કરીને ગુજરાતને વેશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે એમ ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ. જી. કોશિયા દ્વારા જણાવાયુ છે.


આજ કંપની દ્વારા ભુતકાળમાં વર્ષ ૨૦૧૦-Swine Flu Pandemic” સમયે દેશમાં સૌ પ્રથમ Swine Flu વિરુધ્ધ H1N1 રસીનુ સફળતાપુર્વક નિર્માણ કરવાનો શ્રેય પણ ઝાયડસ કેડિલાને જાય છે.