નેપાળનો અવાજ ઊંચો થઈ રહ્યો છે, કેમ બદલાઈ ભાષા?

by Investing A2Z

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આખું વિશ્વ જાણે છે કે આ કોરોના વાયરસ ચીનના વુહાનથી ફેલાયો છે. આ જ્યારે લખાઈ(તા.23 મે, 2020) રહ્યું છે ત્યારે વિશ્વમાં 52,14,000 કેસ નોધાયાં હતાં, અને 3,38,000થી વધુના મોત થઈ ચુક્યાં છે. કોરોના વાયરસને ફેલાવા માટે ચીન જવાબદાર છે, આ ચીન હાલ નોર્મલ થઈ ગયું છે, અને તેણે તેના રાજકીય દાવપેચ શરૂ કરી દીધાં છે. અમેરિકા અને ચીન આમનેસામને છે. ચીન અત્યારે ચારેય બાજુથી ઘેરાઈ ગયું છે.  આ સંજોગોમાં  ભારતનો પડોશી દેશ નેપાળ ભારત વિરોધી નિવેદન કરી રહ્યું છે. કેમ આમ? નેપાળની ભાષા કેમ બદલાઈ છે? નેપાળ કોના ઈશારે ભારત વિરોધી થઈ શકે છે? નેપાળને કોનો સપોર્ટ મળી રહ્યો છે?

નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે, અને ભારત સાથેની તેની સંસ્કૃતિ બિલકુલ મળતી આવે છે. પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા જનારામાં સૌથી વધુ ભારતીયો છે. તેમ જ નેપાળમાં ફરવા જનારા પણ વધારે ભારતીય છે. કૈલાસમાનસરોવર યાત્રીઓ પણ નેપાળના રસ્તે થઈને યાત્રા જાય છે. તાજેતરમાં જ કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહે લિપુલેખ બાયપાસ રસ્તાનું ઉદઘાટન કર્યું હતું. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં માનસરોવર માર્ગ પર 80 કિલોમીટરનો એક લીંક રોડ બન્યો છે. આ લિંકરોડ લિપુલેખ સુધી જાય છે, જે ચીનની સરહદે અડકે છે. ઉત્તરાખંડના ધારચુલાથી શરૂ કરીને લિપુલેખ પાસ થઈને ચીનની સીમા સુધી જાય છે. હવે આ રસ્તે કૈલાસ માનસરોવર યાત્રીકો ખૂબ સરળતાથી યાત્રા કરી શકશે. લિપુલેખ બાયપાસના ઉદઘાટન પછી નેપાળ સરકારનો વિરોધી સૂર છેડાયો છે. આ રસ્તો નેપાળમાં થઈને જાય છે, અને ભારતે એકતરફી કાર્યવાહી કરીને રસ્તાનું નિર્માણ કર્યું છે.

આ બાયપાસ રસ્તો છેલ્લા બે વર્ષથી બનતો હતો, ત્યારે તેણે કેમ વિરોધ ન કર્યો, અને ઉદઘાટન કર્યા પછી વિરોધ કરવાનું શરૂ કર્યું છે. રસ્તો બનતો હતો, ત્યારે કોઈ વાંધો ન ઉઠાવ્યો. ત્યારે હવે સવાલ એ થાય કે કોના ઈશારે નેપાળ આવો વિરોધ નોંધાવે છે.

ભારતે સ્પષ્ટતા કરી હતી કે કૈલાસ માનસરોવર યાત્રાના તીર્થયાત્રીઓ માટે આ રસ્તો પહેલેથી જ હતો, પણ તે કાચો રોડ હતો,  યાત્રિકોને તકલીફ પડતી હતી, જેથી હવે ભારત સરકારે પાકો રસ્તો બનાવ્યો છે. આ આખો રસ્તો હિમાલયના પહાડી વિસ્તારમાંથી પસાર થાય છે, જેના પર ભારતનો કબજો છે. અનેક વર્ષોથી તીર્થયાત્રિકો અને વેપારીઓ ભારત અને તિબેટ જવા આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતાં હતાં.

નેપાળે લિપુલેખ અને કાલાપાની મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો છે, અને આ વિસ્તાર નેપાળનો હોવાનો દાવો કર્યો છે. કાઠમાંડુમાં સ્થિત ભારતીય દૂતાવાસ સામે નેપાળી લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યા હતાં અને નેપાળી વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂતને જાણ કરીને આવેદનપત્ર પણ આપ્યું હતું. નેપાળી વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને ભારતીય રાજદૂતની સાથે બેઠક કરીને સરહદ મુદ્દે નેપાળની સ્થિતિની જાણકારી આપી હતી, અને એક સત્તાવાર પત્ર પણ આપ્યો હતો, ભારત અને નેપાળ બન્ને દેશો કાલાપાનીને પોતાના દેશના અભિન્ન અંગ માને છે. ભારત તેને ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાનું જ્યારે નેપાળ ધારચુલા જિલ્લાનો હિસ્સો માને છે. નેપાળમાં સત્તા પર રહેલી કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદોએ એક વિશેષ પ્રસ્તાવ રજૂ કરીને કાલાપાની, લિમ્પિયાધુરા અન લિપુલેખને નેપાળના ક્ષેત્રમાં પાછા લાવવા માટેની માગ કરી છે. સાંસદોએ દાવો કર્યો છે કે મહાકાલી નદીની પૂર્વ હિસ્સા પર અંદાજે 400 કિલોમીટરની જમીન પર અતિક્રમણ કરાઈ રહ્યું છે અને તેને પરત લેવા માટેની માગ ઉઠી છે.

આ વાત આટલેથી અટકતી નથી લિપુલેખ વિવાદ થયા પછી નેપાળે પોતોના દેશનો નવો નકશો જાહેર કર્યો, જેમાં ભારતના 395 વર્ગ કિલોમીટર ક્ષેત્રને નેપાળમાં બતાવ્યો છે. ભારતે તેની આકરી ટીકા કરી છે, અને કહ્યું છે કે દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અંખડતામાં આવા પ્રકારનો હસ્તક્ષેપ મંજૂર નથી. અને વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે નેપાળ દ્વારા જાહેર કરાયેલ નવો નકશો કોઈ ઐતિહાસિક તથ્ય પર આધારિત નથી, પણ મનઘડત છે. આવી હરકત ભારત તરફથી સ્વીકારાશે નહીં. જો કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન આ નકશાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

અત્યાર સુધી ભારતનું દોસ્ત રહેલું નેપાળ હવે કેમ વિરોધી સૂર છેડ્યો છે, તેની તો બધાંને ખબર પડી ગઈ છે. ચીનનો ઈશારો હોઈ શકે છે. મહાસત્તા ચીન ભારત પર તેનો પગદંડો જમાવવા માટે નેપાળનો સહારો લીધો છે. હવે આ હકીકત એવી છે કે આ રસ્તો બનતા હવે ચીનની સરહદ પર આવેલી ભારતની છેલ્લી ચોકી સુધી ભારતીય લશ્કર ખુબ જ ઝડપથી પહોંચી શકશે. આ રસ્તાથી ત્યાં પહોંચતાં પહેલાં ત્રણચાર દિવસ લાગતાં હતાં, હવે માત્ર 3થી 4 કલાકમાં પહોંચી જવાશે. એટલે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીન એટલા માટે જ નેપાળને આગળ કરીને તેનો વિરોધ કરી રહ્યું છે.

નેપાળ અને બ્રિટિશ ઈન્ડિયાની વચ્ચે 1816માં સુગૌલી સંધિ થઈ હતી. સુગૌલી બિહારના બેતિયા એટલે કે પશ્રિમ ચંપારણમાં નેપાળ સરહદની પાસે એક નાનું શહેર છે. આ સંધિમાં નક્કી થયું હતું કે કાલી અને મહાકાલી નદીના પૂર્વનો વિસ્તાર નેપાળનો રહેશે. પછી અંગ્રેજ સર્વેક્ષકોએ કાલી નદીના ઉદગમ સ્થાનને અલગઅલગ બતાવવાનું શરૂ કર્યું હતું. ખરેખર મહાકાલી નદી કેટલીય નાનીનાની ધારાઓને મળીને બની છે અને આ ધારાઓનું ઉદગમ સ્થાન અલગઅલગ છે. નેપાળનું કહેવું છે કે કાલાપાનીની પશ્રિમે જે ઉદગમ સ્થાન છે તે યોગ્ય છે અને તેને જોતા આ વિસ્તાર અમારો છે. બીજી તરફ ભારત પાસે જે દસ્તાવેજો છે તે સાબિત કરે છે કે કાલી નદીનું મૂળ ઉદગમ સ્થાન કાલાપાનીની પૂર્વમાં છે.

ભારત અને નેપાળ વચ્ચે રોડનો વિરોધ થતાં અને આ વિવાદને વધુ ઘેરો કરવા માટે ચીન શાંતિદૂત બનીને સલાહ આપે છે. ચીન વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું હતું કે કાલાપાની સરહદનો મુદ્દો ભારત અન નેપાળની વચ્ચેનો છે, અને આશા રાખું છું કે બન્ને પડોશી દેશ એકતરફી પગલાં ભરવાથી દૂર રહે અને મૈત્રીપૂર્ણ રીતે પોતાનો વિવાદ ઉકેલે.

ચીન એશિયાખંડની શાંતિને ડહોળવા માંગે છે. ભારત અમેરિકાની નજીક ગયું છે, અમેરિકાના મિત્ર તરીકે ભારત ઉપસ્યું છે. તાજેતરમાં ટ્રમ્પની ભારત મુલાકાત પછી ચીન ઉશ્કેરાયું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર તો ચાલુ જ છે, ત્યાં પાછો કોરોના વાયરસ આવ્યો, કોરોનાએ અમેરિકામાં ભારે નુકસાન કર્યું છે, જેથી અમેરિકા ચીન સામે ગુસ્સે ભરાયું છે. વેપાર ક્ષેત્રે ચીનનો વિરોધ થયો છે. ચીનથી આયાત બંધ કરી છે. ચીનને બહુ મોટો ફટકો પડશે, જેથી હવે ચીન શાંતિ ડહોળવા માટે ભારતના પડોશી દેશોને પોતાની કાંખમાં લઈ રહ્યું છે. પાકિસ્તાનને અબજો રૂપિયાની લોન અને પ્રોજેક્ટ આપીને પોતાનું કરી લીધું જ છે, હવે નેપાળને પણ સહાય કરીને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કર્યો છે. આમ નેપાળની ભાષા બદલાઈ હોવાનું કહેવાય છે. ચીનને ઈશારે નેપાળ ભારત સાથે વિરોધી ભાષામાં વાત કરી રહ્યું છે. પણ નેપાળ ભુલી ગયું છે કે અત્યાર સુધીની તમામ કુદરતી આપદા સમયે ભારત તેની પડખે ઉભુ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણ વખતે પણ ભારતે સહાય કરી છે. આ બધુ કેમ નેપાળ ભુલી જાય છે. નેપાળના લોકોએ શાંતિ વિચારવું પડશે, કે ભારત સાથેનો વિરોધ કેટલો મોંઘો પડી શકે છે. 21મી સદી ભારતની છે. ભારત વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતની દોસ્તી હશે તો નેપાળ વધુ પ્રગતિ કરી શકશે, તેમાં કોઈ મીનમેખ નથી.

 

Related Posts

Leave a Comment