

લૉક ડાઉનના સમયમાં તમે બધાં ઘરના કામ કરતાં થઈ ગયાં, રસોઈ બનાવતાં શીખી ગયાં હશો. પત્નીને ઘરકામમાં મદદ કરી હશે. આવી જ રીતે દેશ માટે હવે તમારે આત્મનિર્ભર બનવાનું છે. બીજા દેશોમાંથી આયત થતી ચીજવસ્તુઓનું ઉત્પાદન ભારતમાં જ કરવાનું. ભારત ચીનથી જે આયાત કરે છે, તે બંધ કરીને તેનું ઉત્પાદન ભારતમાં કરવું જોઈએ, તો જ ભારત આત્મનિર્ભર બન્યું કહેવાશે. આ દિશામાં વિચારવા માટે જ પીએમ મોદીએ દેશવાસીઓને સંદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને દેશની જનતાને સ્વદેશી અપનાવવાની અપીલ કરી હતી.

આત્મનિર્ભરતા કેવી રીતે આવશે તેના માટે પીએમ મોદીએ પાંચ પિલરની વાત કરી છે. (1) ઈકોનોમી (2) ઈન્ફ્રાસ્ટ્રકચર (3) સિસ્ટમ (4) ડેમોગ્રાફી અને (5) ડિમાન્ડ. આ પાંચ પિલર પર ભારત આત્મનિર્ભર બની શકે છે. વિશ્વની અત્યારની કટોકટીભરી સ્થિતિ આપણને શીખવે છે કે આ સંકટમાંથી બહાર આવવાનો એક જ માર્ગ છે તે છે આત્મનિર્ભર ભારત. કોરોના વાયરસની મહામારી આપણા માટે અવસર લઈને આવ્યું છે. આ આપદાને આપણે અવસરમાં બદલી નાંખીશું. આપણે નક્કી કરીશું તો કશું જ અશક્ય નથી. વડાપ્રધાન મોદીએ કચ્છના ભૂકંપનો દાખલો આપીને કહ્યું હતું કે ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ-ભૂજ સાવ બરબાદ થઈ ગયું હતું. કોઈ કલ્પના જ ન કરી શકે કે કચ્છ બેઠું થશે, પણ સંકલ્પશક્તિથી કચ્છ આજે પહેલાં કરતાં વધુ વિકસિત થયું છે. આ રીતે જ આપણે જો સંકલ્પ કરીશું તો ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળીને વધુ વિકસિત થઈ જશે.

દેશ કોરોનાની મહામારીમાં છે, ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને પોરો ચઢાવવાનું કામ કર્યું છે. લોકોનું ડીપ્રેશન દૂર કરવાનું કામ કર્યું છે અને તેની સાથે દેશવાસીઓની ક્ષમતાનું ભાન કરાવ્યું છે, આપણી પાસે બધું જ છે, આપણે બધું જ કરી શકીએ છીએ, થાકવું, હારવું, તૂટવું, વિખેરાઈ જવું એ માનવજાતના સ્વભાવમાં નથી. આપણે નિયમોનું પાલન કરીને આગળ વધવાનું છે. જે દર્શાવે છે કે લૉક ડાઉન 4 નવા રંગરૂપ સાથે આવશે, પણ તેમાં આપણે આ નિયમોને જીવનનો એક ભાગ બનાવી દેવાનો છે અને પછી મહેનત કરીને આગળ વધવાનું છે.