શેરબજારમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. વિશ્વમાં કોરોનામાં મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. અને કોરોના વિશ્વના વધુ દેશોમાં ફેલાઈ રહ્યો છે, જે ગભરાટ પાછળ વર્લ્ડ સ્ટોક માર્કેટમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી છે, અને સ્ટોક માર્કેટમાં ગાબડા પડી રહ્યા છે. જેની પાછળ ભારતીય શેરબજારમાં પણ એફઆઈઆઈની વેચવાલી વચ્ચે ચાલુ રહી છે, અને માર્કેટ સતત તૂટ્યું છે. બ્લેક ફ્રાઈડે પછી બ્લેક મન્ડે થાય છે. 9 માર્ચેને હોળીના દિવસે બીએસઈ સેન્સેક્સ 1941 પોઈન્ટનો કડાકો બોલી 35,634 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 538 પોઈન્ટ તૂટી 10,451 બંધ થયો હતો. હવે સ્ટોક માર્કેટ કેટલું ઘટશે અને નીચા ભાવે નવું રોકાણ કરાય કે નહી? આવા સવાલ પુછાઈ રહ્યા છે.
શેરબજારમાં ઐતિહાસિક તેજીના દિવસો યાદ આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી શેરબજાર તેજીમાં ચાલ્યું છે, અને હવે તૂટવાની શરૂઆત થતાં હાહાકાર મચી ગયો છે. જો કે તેજી થઈ તે ધીમી અને ખચાકાતી થઈ હતી, પણ હાલ જે મંદી થઈ રહી છે, તે સીધી લીટીમાં થઈ રહી છે. આથી મંદી બધાને વધુ ગંભીર રીતે અસર કરી રહી છે. કોરોનાની ઈફેક્ટ પછી શેરબજાર જે રીતે તૂટ્યું છે, તેનાથી તેજીવાળા ખેલાડીઓ અને રોકાણકારોના અબજો રૂપિયાની મૂડીનું ધોવાણ થયું છે.
કોરોના ઈફેક્ટ
વિશ્વભરમાં કોરોનાથી અસર થયેલા લોકોની સંખ્યા વધીને 1,07,000 પહોંચી છે. રોઈટર્સના એક અહેવાલ મુજબ કોરોનાની અસર વિશ્વના વધુ દેશો પર પડી છે. વીતેલા સપ્તાહે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે રીપોર્ટમાં ટાંકયું હતું કે કોરોના વાયરસને કારણે આ વર્ષ વૈશ્વિક મંદીની શરૂઆત થઈ શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ, જાપાન, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, બ્રિટેન અને કોરિયા જેવા અગ્રણી દેશો મંદીમાં આવી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ આંકડા જાહેર કર્યા છે કે ચીનની બહાર કુલ 14,770 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, અને 267 લોકોના મોત થયા છે. કોરોના વાયરસને કારણે પ્રવાસન ઉદ્યોગ, આયાતનિકાસ, બિઝનેસ મીટિંગ, રમતગમત, એરલાઈન, નવા મૂડીરોકાણ, નવા વેપારના સોદા લગભગ ઠપ થઈ ગયા છે, જેની લાંબાગાળે ઈકોનીમી પર વિપરીત અસર પડશે. અને અર્થતંત્ર મંદ પડી જશે. તમામ દેશના જીડીપી ગ્રોથ ઘટશે. આ ધારણાએ જ વિદેશી રોકાણકારોની ધૂમ વેચવાલી ફરી વળી છે. કોરોના ઈફેક્ટથી શેરબજારમાં હાલ તો અબજો રૂપિયાની મૂડીનું ધોવાણ થયું છે. ભારત જ નહી અમેરિકા, જાપાન, હોંગકોંગ, સિંગાપોર, જર્મની, ફ્રાન્સ, જાકાર્તા સહિતના અનેક દેશોના સ્ટોક માર્કેટ ધરાશાયી થયા છે. સ્ટોક માર્કેટમાંથી મૂડીરોકાણ પાછુ ખેંચાઈ રહ્યું છે.
ક્રૂડની કીમતોમાં ગાબડું
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ભારે ગબડ્યા છે. ક્રૂડ 19.38 ટકા તૂટી 33.28 ડૉલર થયો હતો, અને બ્રેન્ટ ક્રૂડ 18.31 ટકા તૂટી 36.98 બોલાતું હતું. આમ ક્રૂડની કીંમતો ઘટીને આવતાં ભારતની ઈકોનોમી માટે સારુ છે, પણ પણ બજાર માટે તે ઠીક નથી. ભારત તેની જરૂરિયાતનું અંદાજે 80થી 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ક્રૂડના ભાવ ઘટવાથી ભારતનું આયાત બિલ ઘટશે, તે ચોક્કસ છે. 9 માર્ચેને સોમવારે ક્રૂડની કીમત ઘટીને 1991ના સૌથી નીચા સ્તરે આવી ગઈ હતી. ભાવ ઘટવા પાછળ સાઉદી અરબ અને રશિયા વચ્ચે પ્રાઈઝવૉર શરૂ થઈ છે. કોરોના વાયરસથી ક્રૂડની ડીમાન્ડ ઘટી છે, અને તેની સીધી અસર સપ્લાય પર પડી છે. આમ દેશમાં ડીમાન્ડ વધારવા માટે કીમતો ઘટાડી રહ્યા છે.
યસ બેંકનો ગભરાટ
એક વખતની મજબૂત યસ બેંક કાચી પડી છે. આરબીઆઈએ ખાતેદારને રૂપિયા 50,000 ઉપાડવા પર મર્યાદા બાંધી, પછી યસ બેંક નો બેંક થઈ ગઈ, યસ બેંક બહાર ખાતેદારોની લાંબી લાઈનો દેખાઈ. જો કે યસ બેંકનો સૌથી મોટો સ્ટેક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લઈ લેશે, જે સમાચાર પાછળ યસ બેંકના શેરનો ભાવ રૂપિયા 5.55 વધી 21 બંધ રહ્યો હતો. યસ બેંકના સમાચારથી શેરબજારમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. અને જેથી જ ભારે વેચવાલી ફરી વળી હતી. બજાર તૂટવા પાછળ યસ બેંક પણ જવાબદાર રહી છે.
એફઆઈઆઈની વેચવાલી
છેલ્લા છ મહિનાથી એફઆઈઆઈ ખરીદી કરી હતી, જે હવે બજારમાંથી પૈસા કાઢવાના મૂડમાં આવી ગઈ છે. ફોરેન પોર્ટફોલીયો ઈન્વેસ્ટરોએ માર્ચ મહિનાના પ્રથમ પાંચ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાંથી રૂપિયા 13,157 કરોડનું વેચાણ કરીને રોકાણ પાછુ ખેંચી લીધું છે. કોરોના વાયરસને પગલે જ શેરબજારનું સેન્ટિમેન્ટ ડહોળાયું છે.
પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ રજૂ કર્યું ત્યાર પછી શેરબજારનું મોકલ ખખડ્યું છે, દરેક ઊંચા મથાળે વેચવાલી ચાલુ રહી છે. ભારતીય ઈકોનોમીની સ્થિતી નબળી છે. જીડીપી ગ્રોથ સતત ઘટીને આવ્યો છે. મોંઘવારીનો દર સતત વધીને આવી રહ્યો છે. આયાત વધી છે, સામે નિકાસ ઘટી છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે. બેરોજગારીના આંકમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમ છતાં શેરબજારમાં તેજી થતી હતી, જે આશ્ચર્યનજક હતું. ઈકોનોમીના તમામ પેરામીટર મંદીના હતા, અને શેરબજારમાં તેજી થયે જતી હતી. જો કે ભારતીય શેરબજાર તે વખતે હાઈલી ઓવરપ્રાઈઝ્ડ હતું. પણ તેજીમાં તેજીની બોલબોલા હોય છે. હવે જ્યારે માર્કેટમાં કારણો બદલાયા છે, સેન્ટિમેન્ટ બદલાયું છે, ત્યારે વેચવાલી ફરી છે, અને ખાસ કરીને એફઆઈઆઈની જોરદાર વેચવાલી નીકળતાં શેરબજાર હવે દરરોજ ઘટે જાય છે.
માર્કેટ કેટલું ઘટશે?
હવે સવાલ એ છે કે માર્કેટ કેટલું ઘટશે? 14 જાન્યુઆરીને ઉત્તરાયણ ‘કેન’ મંદીમાં પડી છે, પહેલી ફ્રેબુઆરીને બજેટની ‘કેન’ મંદીમાં પડી છે. બસ ત્યારથી શેરબજારમાં ઉછાળા ઉભરા જેવા નિવડ્યા છે. હાલ વેચવાલી બજાર પર હાવી છે. વિદેશી રોકાણકારોનો નજરિયો બદલાયો છે. હવે પોઝિટિવ કારણો આવશે તો પણ બજાર ઘટશે. હા માર્કેટ સતત ઘટ્યું છે. હાઈલી ઓવરસોલ્ડ છે. એક્શન રીએક્શન આવશે, પ્રત્યાઘાતી ઉછાળો પણ આવશે. પણ ઑવરઑલ માર્કેટમાં હાલ કાંઈ ખરીદી કરવી નહી. સસ્તુ સમજીને ખરીદી કરનાર પસ્તાશે. હાલ નીચા ભાવે જેણે ખરીદી કરી અને તેને તાત્કાલિક નફો મળે તો નફો ગાંઠે બાંધવો. કેમ કે તે જ શેર તમને વધુ નીચા ભાવે મળશે. માર્કેટ કેટલું ઘટશે, તે તો કહી ન શકાય, પણ માર્કેટમાં હાલ ખરીદી કરવાનો સમય નથી. તમામ નેગેટિવ ફેકટર વચ્ચે અથવા તો સામા પ્રવાહે તરી ન શકાય. તે ન્યાયે હાલ ‘થોભો અને રાહ જુઓ’ની નિતી અખત્યાર કરવી વધુ હિતાવહ છે.
જો વેચતા આવડે તો દરેક ઉછાળે વેચનારની જીત થશે. એક્શન રીએક્શન આવશે, તે વાત યાદ રાખજો. તેજીનો ગાળો પુરો થયો છે. તે વાત પણ યાદ રાખજો. નવું ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે રાહ જોજો. કોરોના વાયરસનો કહેર કેટલો વધુ લાંબો સમય ચાલે છે તેના પર બધો આધાર છે. કોરોના વધુ ખાનાખરાબી કરશે તો શેરબજાર વધુ ઝડપથી ઘટશે. માટે કોરોના પર નજર રાખવી. હાલ શેરબજાર કોરોનાગ્રસ્ત છે, માટે માસ્ક સાથે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે.