કોરોનાનો કહેરઃ વિશ્વના 70થી વધુ દેશોમાં ફફડાટ

by Investing A2Z

કોરોના વાયરસનો કહેર જબરજસ્ત છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ(COVID-19) દક્ષિણ કોરિયા, જાપાન, ઈટાલી અને ઈરાન સહિત વિશ્વના 70 દેશોમાં કોરોના ફેલાયો છે. ચીનમાં કોરોનાથી 3000થી વધુ લોકો મોતને ભેટ્યા છે, અને 89,000થી વધુ લોકોને ચેપ લાગ્યો છે, તેઓ સારવાર હેઠળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) એ કોરોના વાયરસને ખુબ જ ગંભીરતાથી લીધો છે. અને હવે તેના વધતા જતા પ્રકોપથી ચિંતા વ્યકત કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ દુનિયાભરને આ વાયરસને રોકવા માટે પગલા લેવા નિર્દેશ આપ્યો છે. જો બધા દેશો સાથે મળીને કામ નહી કરે તો તેના પરિણામ ગંભીર આવશે. દુનિયાના 60-80 ટકાથી વધુ લોકો તેનો શિકાર થઈ શકે છે. WHOના રીપોર્ટથી વિશ્વમાં ભારે ગભરાટ ફેલાયો છે કે હવે શું થશે?

આ કોરોના વાયરસને પ્રખ્યાત સ્પૈનિશ ફ્લૂની સાથે જોડી દેવામાં આવે તો દુનિયાની તત્કાલીન બે અબજની વસ્તીમાં લગભગ 500 કરોડ લોકોને ચેપ લાગ્યો હતો એટલે કે અસર થઈ હતી, અને 1918-1920ની વચ્ચે લાખો લોકોના મૃત્યુ થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા કોરોના વાયરસના વૈશ્વિક જોખમને ઊંચા અવાજે ઉઠાવ્યો છે, અને વિશ્વમાં તેને રોકવાના પ્રયાસોની આવશ્યકતાને જરૂરી ગણાવ્યું છે.

કોરોના વાયરસનો ચેપ ભારતમાં પણ આવ્યો છે. દિલ્હી, નોઈડા, આગરામાં કોરોનાના કેસ સામે આવ્યા છે. આગરામાં છ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમને દિલ્હી મોકલી દેવાયા છે અને પરિવારના બાકીના 7 સભ્યોને ઘરમાં જ આઈસોલેશન કેરમાં રાખવામાં આવ્યા છે. તે સમાચાર પછી સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી, અને કોરોના મુદ્દે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આનાથી ગભરાવાની જરૂરી નથી. જો કે તે પછી તુરંત જ સમાચાર આવ્યા હતા કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને 3 માર્ચે અથવા તેની પહેલા ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોના ઈસ્યૂ થયેલા વીઝા અથવા ઈ વીઝા સસ્પેન્ડ કરી દીધા છે, કે જેમણે ભારતમાં પ્રવેશ મેળવ્યો નથી.

કોરોના વાયરસ દિલ્હી પહોંચી ગયો છે. જેને પગલે નોઈડાની એક મોટી સ્કુલે હાલમાં ત્રણ દિવસ માટે બંધ કરી દીધી છે. ભારત પ્રવાસે આવેલા ઈટાલીથી કુલ 24 નાગરિકોમાંથી 3 ભારતીયો છે, તેમાંથી 14 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેમની સાથે રહેલા ભારતીયોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જે પછી ભારતીય મંત્રાલય સતર્ક થઈ ગયું છે. હેન્ડ શેક છોડો અને નમસ્તે કરોનું અભિયાન છેડ્યું છે. દેશના તમામ એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ કરી દેવાયું છે. પેરાસિટામોલ સહિતની કુલ 26 દવાઓના નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.

અમેરિકામાં કોરોના ઈફેક્ટથી વધુ 4ના મોત થયા છે, અને કુલ 11 કેસ નોંધાયા છે, જેમાંથી 5 પોઝિટિવ આવ્યા છે. ઈરાનમાં સૈન્ય તૈયાર રખાયું છે. પાકિસ્તાનમાં 5 પોઝિટિવ કેસ છે, ફ્રાન્સમાં 120 શાળાઓ બંધ કરાઈ છે. ફ્રાન્સની સરકારે કોરોનાથી બચવા માટે મિત્રો સાથે મુલાકાત કરો ત્યારે પરંપરાગત તરીકે ગાલ પર કિસ અને હાથ મેળવવામાં ફેરફાર કરવા કહ્યું છે. સિંગાપોરની મેડીકલ સ્કુલના પ્રોફેસરે કહ્યું છે કે લિફ્ટ સૌથી વધુ ખતરનાક છે, કારણ કે લિફટમાં હવામાં કેટલાય લોકો શ્વાસ લેતા હોય છે, અને તેઓ લિફટમાં ઉપર નીચે જવા માટે બટનનો ઉપયોગ કરતા હોય છે, હાલની સ્થિતીમાં દરેક વ્યક્તિએ લિફટમાં બટન દબાવવા માટે પેનનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે શૌચાલયનો ઉપયોગ કરો તો પણ સાવધાની રાખવા જણાવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી બચવા માટે સાફ-સફાઈ પર વિષેશ ધ્યાન આપવા કહ્યું છે. તેના માટે હાથની સફાઈને અગ્રમીતા આપી છે. અને દિવસમાં ઓછામાં ઓછા પાંચ વાર હાથ ધોવા માટે ભલામણ કરી છે. WHOએ હાથ કેવી રીતે ધોવા તેની રીત પણ બતાવી છે.

હાથ કયારે ધોવા જોઈએ

  • તમે બહાર જઈને આવો ત્યારે
  • પશુઓને સ્પર્શ કર્યા પછી
  • છીંક ખાધા અને ખાંસી ખાધા પછી
  • બીમાર વ્યક્તિની મુલાકાત પછી
  • શૌચાલયનો ઉપયોગ કર્યા પછી
  • ખાવાનું બનાવ્યા પહેલા અને પછી

અન્ય એક વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે મેડીકલ સ્ટોર પર મળતાં માસ્ક કોરોના વાયરસથી બચવા માટે પ્રયાપ્ત નથી, કારણ કે આના વાયરસ એટલા નાના હોય છે કે તે સરળતાથી માસ્કની અંદર પ્રવેશી જાય છે. તેમ છતાં માસ્ક પહેરવું સારુ છે. ભીડભાડ વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ. ઈટાલી, ફ્રાન્સ અને સ્વિટઝરલેન્ડ જેવા દેશોએ ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા નિર્દેશ આપી દીધો છે.

કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને ચોથી માર્ચ, 2020ના રોજ લેટેસ્ટ અપડેટ સાથે જણાવ્યું છે કે અત્યાર સુધી કોરોનાના 28 કેસ મળ્યા છે. જેમાં ત્રણ જૂના છે, જે સારવાર દરમિયાન સાજા થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. ભારતમાં કુલ 28 કેસમાંથી ઈટાલીથી આવેલા 16, આગરામાં 6, એક તેમનો ડ્રાઈવર, દિલ્હીમાં એક, તેલંગાણામાં 1 અને કેરળમાં 3 કેસ નોંધાયા હતા. જેમાં કેરળના 3 દર્દીઓ સારવાર લઈને સાજા થઈને ઘેર જતા રહ્યા છે.

કોરોના વાયરસ ખતરનાક જરૂર છે, પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. કોવિડ-19નો ચેપ ધરાવતા છમાંથી એક દર્દી ગંભીર હોય છે, અને જેને શ્વાસ લેવાની તકલીફ હોય, વૃદ્ધ હોય, હાઈ બ્લડપ્રેશર હોય, હ્દયની તકલીફ હોય, ડાયાબિટશના દર્દીઓને જોખમ વધુ રહે છે. એક સર્વે મુજબ લગભગ 2 ટકા લોકોના મોત થયા છે. જેમને તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ખાંસી થઈ હોય તેમણે સ્હેજ પણ ઢીલ રાખ્યા વગર ડૉકટર પાસે જવું જોઈએ.

કોરોના વાયરસથી છેલ્લા એક મહિનાથી આર્થિક સ્થિતિમાં ખાસ્સો ફેર પડ્યો છે. કોરોનાના હાહાકારથી વિશ્વના સ્ટોક માર્કેટ તૂટી ગયા છે. વિદેશી રોકાણકારો ઑલરાઉન્ડ સેલર થઈ ગઈ છે. એક દેશ બીજા દેશમાંથી આયાત કે નિકાસ બંધ કરી દીધા છે, એટલે કે આયાત નિકાસ ઠપ્પ થઈ ગયા છે. કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવતા જતા લોકોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. બિઝનેસ ટુર, રમતગમતના આયોજનો, પ્રવાસન ઠપ થઈ ગયા છે. આર્થિક રીતે તમામ દેશોની સ્થિતિ બગડી છે. વિદેશી ચલણ બજાર પણ હાલકડોલક થઈ ગયું છે. ડૉલર સામે રૂપિયો તૂટયો છે. સોનાચાંદીના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. કોરોનાની ઈફેક્ટ ધારીએ તેટલી સરળ નથી, તેનો ચેપ ઈકોનોમીને પણ લાગ્યો છે.

તેમછતાં સર્તક રહેવું વધુ સલામતીભર્યુ છે. કોરોના વાયરસ આપણને લાગે નહી તેના માટે ધ્યાન રાખવું હિતાવહ છે. કોઈ વાયરસને સરળતાથી લેવો નહી, જો કે ગભરાવાની પણ જરૂર નથી. ભારતમાં શિયાળો પુરો થયો છે, અને ઉનાળાની ગરમી શરૂ થઈ છે, જેથી ગરમીમાં કોરોનાના વાયરસનો નાશ થાય છે, જેથી ભારતમાં કોરોના વધુ ફેલાતો અટકશે, માત્ર સમયની રાહ જોવાની છે. દરેક નાગરિકે થોડી સાવધાની રાખવી જોઈએ. જેમ કે ભીડભાડવાળી જગ્યાએ ટાળવું જોઈએ, કોઈની સાથે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરવું અથવા હવામાં હાથ હલાવીને અભિવાદન કરવું, જેને શરીદી કે ખાંસી થઈ હોય તેના નજીકના સંપર્કમાં ન બેસવું, તમને પણ છીંકો કે શરદી કે ખાંસી આવે તો જરૂરથી ડૉકટર પાસે જઈ જરૂરી દવા લેવી.

 

Related Posts

Leave a Comment