
નાણાંપ્રધાન નિતીન પટેલે તેમના કાર્યકાળનું આઠમું બજેટ રજૂ કર્યું છે. પૂર્વ નાણાંપ્રધાન વજુભાઈ વાળાએ 18 વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ કર્યો છે. એટલે કે નિતીનભાઈ પટેલ રેકોર્ડમાં બીજા નંબરે છે. ઉત્તમ અને સર્વોત્તમ ગુજરાત બનાવવાની નેમ સાથે રજૂ થયેલ બજેટ ખરા અર્થમાં ઉત્તમોત્તમ બજેટ છે. છેલ્લાં કેટલાય વર્ષોથી ગુજરાત પુરાંતવાળુ બજેટ રજૂ કરે છે, તેમાં પણ આંકડાની માયાજાળ છે, જે હોય તે પણ તેનાથી ગુજરાતનો વિકાસ થાય છે, તે મહત્વનું છે અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી જે રસ્તો બતાવીને ગયાં છે, તે દિશામાં તે પછીની તમામ સરકારો કામ કરી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાલ વિકાસના કાર્યોને આગળ ધપાવી રહ્યા છે, તે તમામ સારી રીતે જાણે છે કે વિકાસ નહીં કરીએ તો ફેંકાઈ જઈશું, વિકાસ તો આંખે દેખાય તેવો હોય છે.

જાહેર દેવું
(રૂપિયા કરોડમાં)
| વર્ષ 2017-18માં | 26,952 કરોડ |
| વર્ષ 2018-19માં | 43,146 કરોડ |
| વર્ષ 2019-20માં | 44,001 કરોડ |
| વર્ષ 2020-21માં | 46,501 કરોડ અંદાજિત |
ગુજરાત રાજ્યના બજેટમાં આવક અને તેની સામે જાહેર દેવું આ બે રકમો ખૂબ મહત્વની હોય છે. તેના પર આપણે નજર કરી. પણ રાજ્ય સરકારે બજેટમાં અનેક સેકટરમાં વિકાસ માટે જોગવાઈઓ કરી છે, તે સારી વાત છે. સરકારે તમામ વર્ગની ચિંતા કરીને દરેક વર્ગને કંઈકને કંઈ આપવાનો પ્રયત્ન કર્યો છે. શૌચાલય પછી હવે પછી રાજ્ય સરકાર બાથરૂમ પર વિશેષ ભાર આપ્યો છે. અને માદરે વતન યોજના રજૂ કરીને ગુજરાતના સર્વાંગી વિકાસમાં એનઆરજીને જોડવાની વાત કરી છે, તે ખરેખર સરાહનીય યોજના છે. જે દાતા તેમના વતનમાં કોઈ સગવડ ઉભી કરવા દાન આપશે, તેટલી રકમ રાજ્ય સરકાર ઉમેરશે. સરકાર દ્વારા તેનો પ્રચાર થશે તો દાતાઓ ચોક્કસથી આગળ આવશે. અને ગુજરાતના વિકાસમાં એનઆરજીનો ફાળો નોંધપાત્ર લેખાશે. વતનનું ઋણ અદા કરવાની મહેચ્છા ધરાવતાં લોકો માટે માદરેવતન યોજના આશીર્વાદરૂપ બની રહેશે.
જીએસટીની આવક સતત વધી છે, તેના આંકડા પર નજર કરીએ તો…
(રૂપિયા કરોડમાં)
| વર્ષ | કેન્દ્રીય જીએસટી | રાજ્ય જીએસટી |
| 2018-19 | 5796.85 | 34,888.71 |
| 2019-20 | 6048.05 | 48,735.00 |
| 2020-21 | 8065.18 | 55,560.00 |
નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલે 8 મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ બજેટ તૈયાર કર્યું છે. શહેરી વિસ્તારના સાર્વત્રિક વિકાસ માટે રૂપિયા 13,440 કરોડની જોગવાઈ કરી છે. તેમ જ વીજ કરમાં રાહત આપીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.
વીજ કરમાં રાહત
(1) કોલ્ડસ્ટોરેજ પર હાલમાં 20 ટકાના દરે વીજકર લેવાય છે, આ વીજકર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો છે, જેનાથી 1300 કોલ્ડ સ્ટોરેજને ફાયદો મળશે
(2) તમામ ધર્મના ધાર્મિક સ્થળો, સ્મશાનગૃહ, દરગાહ કે કબ્રસ્તાન જેવા સ્થળો પર વીજવપરાશ પર વીજ કર 25 ટકા લેવાતો હતો, જે વીજ કર ગ્રામ્ય વિસ્તારોમાં ઘટાડીને 7.5 ટકા અને શહેરી વિસ્તારોમાં ઘટાડીને 15 કરાયો છે, જેનાથી ગુજરાતના 10,500 ધાર્મિક સ્થળોને લાભ થશે.
(3) ધાર્મિક સ્થળો પર સેવાભાવનાથી ચાલતી ધર્મશાળાઓનો વીજ કર 25 ટકા છે, જેમાં એચટી જોડાણ ધરાવતી ધર્મશાળાઓને 15 ટકા અને એલટી વીજ જોડાણ ધરાવતી ધર્મશાળાઓ પર 10 ટકા દરે વીજ કર લાગુ પડશે. આમ રાજ્યની 815 ધર્મશાળાઓને આનો ફાયદો થશે.
(4) લાખો દુકાનદારો, કરિયાણાની દુકાન, કાપડ, રેડીમેઈડ કાપડ, મેડિકલ સ્ટોર, હાર્ડવેર, કલર, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઈલ શોપ્સ, ગેરેજ જેવા અનેક વ્યવસાયો સાથે જોડાયેલા છે, તેમની દુકાનો, સ્ટોર, શોપિંગ સેન્ટરો મૉલમાં આવેલા છે, તેમ જ વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટ્રાન્સપોર્ટની ઓફિસો, કોચિંગ કલાસ, ફોટો સ્ટુડિયો, બ્યૂટી પાર્લર, સલૂનના માધ્યમથી સર્વિસ સેકટરમાં કાર્યરત છે, તેવા તમામ વ્યવસાયોના સ્થળો પર વીજ પર 25 ટકા લાગુ છે. આ વીજ કર ઘટાડીને 20 ટકા કરાયો છે. જેનાથી 30 લાખ જેટલા દુકાનદારો, વેપારીઓ અને કારીગરોને વીજ કરના ઘટાડાનો સીધો લાભ મળશે.
આમ રાજ્ય સરકારે વીજ કરમાં જે રાહતો આપી છે, તેનાથી રાજ્ય સરકારની તિજોરીની આવકમાં રૂપિયા 330 કરોડનો ઘટાડો થશે.


