મહારાષ્ટ્રમાં સત્તાનું મેદાન મારવામાં ભાજપને કેમ સફળતા મળી?

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાની વાત મનની મનમાં રહી ગઈ, કોણ રમત રમી ગયું? રાજકીય પંડિતો માટે માથું ખંજવાળવા જેવું થઈ ગયું. મહારાષ્ટ્ર જ નહી, આખા દેશમાં આશ્રર્ય ફેલાઈ ગયું, અરે આ કેવી રીતે થઈ ગયું. આને કહેવાય રાજકારણ… બધું જ શક્ય છે. ઉદ્ધવ ઠાકરેને રાજકારણનો સૌથી પહેલો અને મોટો પાઠ શીખવા મળ્યો છે અને શરદ પવારને કોઈ સમજી શક્યું નથી, અજીત પવારે બળવો કર્યો અને એનસીપી તોડી અને સત્તા મેળવી લીધી, જ્યારે કોંગ્રેસે શરદ પવાર પર વિશ્વાસ મૂકીને પસ્તાઈ રહી છે. કોણ કોના પર વિશ્વાસ મૂકીને પસ્તાયા એ ચિંતન કરવાનો સમય હવે છે.
મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોઈપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. વિધાનસભા કુલ 288 બેઠકોની છે, જેમાંથી ભાજપને 105 બેઠક, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો ફાળે ગઈ હતી. બહુમતી માટે 145નો આંક જોઈએ, જે કોઈની પાસે ન હતો. જેથી કોએલેશનવાળી જ સરકાર બનાવવી પડે. ભાજપ અને શિવસેનાની યુતિ પર પ્રજાએ વિશ્વાસ મુકીને મત આપ્યા હતા, તેથી કુદરતી જ સત્તાના સૂત્રો તેઓ સંભાળશે એવી પહેલી વાસ્તવિકતા હતી.
પણ શિવસેનાએ મુખ્યપ્રધાન લેવાની જીદ પકડીને ભાજપ સાથે યુતિ તોડી નાંખી, 30 વર્ષ જૂના સંબધો તોડીને બીજાના સહારે સરકાર રચવા ચક્રો ગતિમાન કર્યાં. જે હિન્દુત્વના મુદ્દા પર પ્રજાએ શિવસેનાને મત આપ્યાં તે હિન્દુત્વનો મુદ્દો બાજુ પર મુકીને શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસને સહારે સરકાર રચવા માટે અનેક બેઠકો કરી, સહમતી તોયે સંધાઈ નહીં, તેવામાં અવધિ પૂરી થઈ જતાં મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી, અને કેન્દ્રએ તે ભલામણ મંજૂર કરીને રાતોરાત રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું.
તે પછી પણ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બનાવવા માટેના પ્રયત્નો ચાલુ હતાં. અનેક બેઠકોને અંતે અલગ અલગ વિચારધારાવાળા ભેગા થયાં અને સીએમપી બનાવી, ઉદ્ધવ ઠાકરેને સીએમ, એનસીપીના ધારાસભ્યને અને કોંગ્રેસના ધારાસભ્યને ડેપ્યૂટી સીએમ પદની ફોર્મ્યુલા નક્કી થઈ. ઉદ્ધવ ઠાકરે સીએમ પસંદ કરાયાં શુક્રવારે સર્વાનુમતે આવું સત્તાવાર જાહેર પણ થયું, એટલે શનિવાર સવારના તમામ છાપાની હેડલાઈન છે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે…

|
– ઉદ્ધવ ઠાકરેએ જીવનની મોટી ભૂલ સીએમ પદ માગીને કરી – કેન્દ્રમાં સત્તા હોય તેની સાથે રહેવાય, એવી રાજકીય પંડિતોની વાણી છે – હિન્દુત્વનો મુદ્દો બાજુ પર મુકીને સીએમ પદ લેવા નીકળેલા ઉદ્વવ ઠાકરેને મહારાષ્ટ્રના મતદારો માફ કરશે? – ઉદ્ધવ ઠાકરે માટે ભાજપના દ્વાર બંધ થઈ ગયાં – એનસીપી તૂટી પડી છે. શરદ પવાર કહે છે આ અજિત પવારનો નિર્ણય છે, પાર્ટીનો નથી – એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી, બન્નેના પ્રતિભાવ જોવા જેવા થઈ ગયાં હતાં. – શરદ પવાર કહે છે કે અજિત પવારનો પોતાનો નિર્ણય છે. દેવેન્દ્ર ફડણવીસ બહુમતી સાબિત કરીને બતાવે, એનસીપીના ધારાસભ્યો અમારી સાથે છે. – અજિત પવાર કહે છે કે અમારી સાથે 40 ધારાસભ્યો છે. – દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે અમને 173 ધારાસભ્યોનો ટેકો છે, જેમાં 14 અપક્ષ ધારાસભ્યો સામેલ છે. – શરદ પવારના ઈતિહાસ પર એક નજર કરીએ તો કાકા ભત્રીજાની વચ્ચે અદાવત ખૂબ જૂની છે. સુપ્રિયા સૂળેએ કહ્યું જિંદગીમાં હવે કોના પર ભરોસો કરવો? – શરદ પવાર 80 વર્ષના થઈ ગયાં છે, તેમની તબિયત હવે સારી રહેતી નથી. શરદ પવારની દીકરી સુપ્રિયા સૂળે અને અજિત પવાર વચ્ચે એનસીપીના ઉત્તરાધિકારીને લઈને કેટલાય વખતથી ગજગ્રાહ ચાલતો આવ્યો છે. લોકસભાની ચૂંટણી વચ્ચે આ વિખવાદ બહાર આવ્યો હતો. – અજિત પવાર ઉત્તરાધિકારી બની શકે તેવું તેમને લાગતાં તેઓ ભાજપ સાથે જઈને સરકારમાં જોડાઈ ગયાં છે. સત્તા હશે તો બધાં આવી જશે. – ઉદ્વવ ઠાકરે કહે છે અમે બધુ અજવાળામાં કરીએ છીએ – અમે કાયદાનો સહારો લઈશું, રાજભવનમાં જે થયું છે તેને પડકારીશું – બીજી તરફ કોંગ્રેસના અહેમદ પટેલે ઈશારામાં કહી દીધુ કે અમે શરદ પવાર પર વિશ્વાસ કર્યો હતો. આમાં કાંઈક રંધાયું છે, ભારતીય રાજકારણમાં કાળો દિવસે કહેવાશે. અલબત્ત આજની પેઢીને તો ખબર જ નથી કે ઇન્દિરા કોંગ્રેસનો જન્મ કેમ થયો અને કામરાજ પ્રકરણમાં શું રોલ હતો. કોંગ્રેસના એવા નેતાઓ એ દિવસોને મમળાવશે? – અહેમદ પટેલે રાજ્યપાલ પર નિશાન તાક્યું હતું, અને કહ્યું કે ભાજપે બેશરમીની હદ પાર કરી દીધી છે. અને એનસીપી પર ઠીકરુ ફોડ્યું હતું. – ખરેખર તો શરદ પવાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં, તે બેઠકમાં જ કંઈક રંધાયું હતું, બધાંએ સમજી લેવાની જરૂર હતી. – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં શરદ પવારની એનસીપીના વખાણ કર્યા હતાં, ત્યારે કેટલાકના કાન ચમક્યાં હતાં પણ કોઈને ગંધ ન આવી કે આવી ચિતખાની થઈ શકે છે. – રાજકારણમાં કોઈ કોઈના દુશ્મન કે દોસ્ત હોતાં નથી, બધાં સત્તાના ખેલ હોય છે. એ સનાતન ચિંતન આજે પણ પ્રસ્તુત જ છે. |
હવે જોવાનું એ રહે છે કે દેવેન્દ્ર ફડણવીસ સરકાર બહુમતી કેવી રીતે મેળવશે. વિધાનસભાના ફ્લોર પર ટેસ્ટ તો આપવો જ પડશે. જો કે સૌથી મોટી પાર્ટી હોવાના નાતે સરકારમાં જોડાવા કોણ તૈયાર નહીં થાય, આગામી દિવસોમાં શિવસેનાના ધારાસભ્યો પણ તૂટશે, અને ભાજપમાં જોડાશે, એ તો થવાનું જ છે. એનસીપીના કેટલાં ધારાસભ્યો અજીત પવાર સાથે આવે છે, તેના પર સૌ કોઈની નજર છે. હાલ તો શુક્રવારે રાત્રે 12.30 વાગ્યે અજિત પવારે ધારાસભ્યોની સહીવાળી ચિઠ્ઠી રાજ્યપાલને આપી દીધી એ પછી રાજ્યપાલે સરકાર રચવા કહ્યું.. હવે બધુ વિધાનસભાના ફ્લોર પર ગયું છે, અને ત્યાં રાજકારણમાં કોણ બાહુબલી છે તેનો ટેસ્ટ થઈ જશે.

ટૂંકમાં અમિત શાહ ફરી એકવાર ચાણકય પુરવાર થયાં છે. તેમની નીતિ કારગત નીવડી છે, મહારાષ્ટ્રમાં સત્તા હાંસલ કરવામાં સફળતા મળી છે. અમિત શાહ પહેલેથી કહેતાં હતાં કે મહારાષ્ટ્રના સીએમ તો દેવેન્દ્ર ફડણવીસ જ બનશે. તે વખતે તેમના નિવેદનને હળવાશથી લેવામાં આવ્યું હતું. આજે તે નિવેદન સ્ટ્રોંગ પુરવાર થયું છે. તેમ જ દેવેન્દ્ર પણ કહેતાં હતાં કે મહારાષ્ટ્રમાં સરકાર બનશે તો ભાજપની જ. આ બન્ને ટોપ લીડર કહેતાં હતાં તે પ્રમાણે જ બન્યું છે. હવે તો કોંગ્રેસ અને એનસીપીના શરદ પવાર વચ્ચે તિરાડ પડી જશે. શિવસેના એકલી પડી જશે, વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ પહેલેથી જાણતો હતો કે પરિણામ પછી શિવસેના આડીઅવળી થશે, તો તેણે પહેલેથી જ એનસીપી વિરુદ્ધ કોઈ પ્રચાર કર્યો ન હતો. એનસીપી સાથે સારાસારી રાખી હતી, તે હાલ કામમાં આવી ગઈ છે.
