

ક્રિકેટર ઈમરાન ખાનને પાકિસ્તાનમાં સત્તા સંભાળ્યાને સવા વર્ષ જેવું થયું, પણ પાકિસ્તાનમાં જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે જ એટલા બધાં ઈસ્યૂ હતાં, આર્થિક સ્થિતિ કથળેલી હતી. મોંઘવારીએ માઝા મૂકી હતી, પાકિસ્તાનનું ચલણ નબળું હતું, બોર્ડર પર આતંકવાદીઓ પર કોઈ કાબૂ ન હતો. પાકિસ્તાની પ્રજાને ઈમરાન ખાન પાસે ખૂબ આશાઓ હતી, પણ તેમાંનું કશુંય થયું નહી. મોંઘવારી વધુ વધી, આતંકવાદીઓ વધુ બેફામ બન્યાં છે અને પાકિસ્તાનને કોઈ લોન આપવાય તૈયાર નથી, ભારત સાથે સંબધો બગડ્યાં, પછી ભારતથી નિકાસ થતી વસ્તુઓ બંધ થઈ ગઈ, ટામેટાના ભાવ આસમાને પહોંચ્યાં, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાનને સહાય આપવાની ના પાડી દીધી. સ્પષ્ટ સંભળાવી દીધું કે તમે આતંકવાદીઓને પોષવાનું બંધ નહી કરો ત્યાં સુધી કોઈ નવી સહાય નહી મળે. અત્યાર સુધી પાકિસ્તાનનું દોસ્ત ચીન રહ્યું છે, ચીને પણ વિશેષ સહાય કરવાની ના પાડી દીધી. હાલ પાકિસ્તાન આર્થિક સંકટમાં ઘેરાયું છે. ઈમરાન ખાન કોઈ એવા આર્થિક સુધારાવાદી પગલાં લઈ શક્યા નથી, અને લીધાં છે તો તેની કોઈ અસર થઈ નથી.


આંતરરાષ્ટ્રીય કોર્ટના જજે પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ ભારતીય નૌસેના અધિકારી કુલભૂષણ જાદવ મામલામાં ઈમરાન ખાન સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ભારતને કાઉન્સ્યૂલર એક્સેસ ન આપીને પાકિસ્તાને વિયેના સંધિની કલમ 36નું ઉલ્લંઘન કર્યું છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનની કોર્ટના કુલભૂષણ જાદવને ફાંસીની સજા પર પુનઃવિચાર કરવા કહ્યું હતું, ત્યાર પછી પાકિસ્તાને ફાંસીનો ચૂકાદો અટકાવી દીધો છે. આમ કુલભૂષણ જાદવા મામલે પણ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય લેવલ પર ઠેકડી ઉડી છે.

તાજેતરમાં જ ઈમરાન ખાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયાં, તેમાં આક્ષેપ છે કે 2018ની ચૂંટણીમાં તેમણે ગડબડ કરી છે અને તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. પીએમ ઈમરાન પર અર્થવ્યવસ્થામાં અણઘડ વહીવટ, અક્ષમતા અને કુપ્રશાસનનો આરોપ લાગી ચૂક્યો છે. આમ આદમીને જીવવું ભારે થઈ પડ્યું છે. આવા સંજોગો વચ્ચે પાકિસ્તાનમાં ગમે ત્યારે સત્તાપલટો આવે તો નવાઈ નહી…