
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 24 ઓકટોબરે આવ્યા પછી છેક સુધી સસ્પેન્સ યથાવત રહ્યું હતું, ભારે રસાકસીભર્યા ચૂંટણીના પરિણામો તેવી જ રીતે સરકાર બનાવવામાં સત્તાની ભારે ખેંચતાણ જોવા મળી છે. જો કે ચૂંટણી પરિણામ પછી સ્પષ્ટ થયું કે એનડીએના સાથી પક્ષો ભાજવ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચશે, પણ શિવસેનાએ સીએમ પદ માંગી લીધુ, અને ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ કહી દીધું કે મુખ્યપ્રધાન પદ આપવું હોય તો જ મને ફોન કરજો. ભાજપ સૌથી સીંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી, જેથી ભાજપ નમતું જોખવા તૈયાર નહોતી. અને ભાજપના મોવડીમંડળે સ્પષ્ટ કરી દીધું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યપ્રધાન બનશે. આમ સત્તાની ખેંચતાણ વચ્ચે ભાજપ અને શિવસેનાની દોસ્તીમાં તિરાડ પડી.




આ રાજકીય સત્તાની ખેંચતાણનો નગ્ન નાચ આખા દેશે ટીવી સ્ક્રીન પર લાઈવ જોયો. સત્તાની લાલસા તો જુઓ કે ચૂંટણી લડતી વખતે જેઓ એકબીજાના ભયંકર વિરોધી હોય, અને પ્રજા(મતદારો) સામે જઈને જે મુદ્દા પર મત માંગ્યા હોય તે તમામ મુદ્દા બાજુ પર મુકીને વિરોધીઓ સાથે હાથ મિલાવો તો મતદારો તમને માફ કરે ખરા. અને બીજી વાર મત માંગવા જાવ તો આપેય ખરા…
મતદારોએ પણ શીખવા જેવું છે કે કોઈપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપો, જેથી રાજ્ય અને દેશનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે. અધકચરી બહુમતીથી હોર્સ ટ્રેડિંગ થાય, વિરોધીઓ ભેગા થાય, ટેકો પાછો ખેંચે, સરકાર પડી જાય, ફરીથી ચૂંટણી આવે, દેશ અને રાજ્યને માથે ચૂંટણીનો ફેર ખર્ચ થાય, આ તમામ ખર્ચ મતદારોને માથે જ હોય છે, આવું થાય ત્યાં સુધીના સમયમાં દેશ હોય કે રાજ્ય તેના વિકાસના કોઈ કામ ન થઈ શકે. રાજ્યની પ્રગતિ અવરોધાય.

અંતે કોઈપણ પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર રચી શકી નથી. રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી દીધી, કેબિનેટને મંજૂરી આપી અને રાષ્ટ્રપતિએ કેન્દ્રની ભલામણ પર સહી કરી દીધી, અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું છે. શિવસેના માટે બન્ને બાજુનો લાડવો ઝુટવાઈ ગયો છે.