
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાની હેઠળ પાંચ જજોની બેન્ચે વિવાદિત જમીન પર રામલલાનો હક છે, તેવું માન્યું રાખ્યું છે. ભારતીય પુરાતત્વ વિભાગના સર્વેક્ષણના રીપોર્ટનો આધાર માનીને સ્પષ્ટ ચૂકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં નોંધ્યું છે કે આ જમીન પર રામમંદિરના નિર્માણની રૂપરેખા તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનો આદેશ કરે અને કેન્દ્ર સરકાર જ ટ્રસ્ટના સભ્યોના નામ નક્કી કરે. ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો છે, તેમ જ સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે 5 એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ આપ્યો છે. અયોધ્યામાં જ વૈકલ્પિક જમીન કેન્દ્ર અને યોગી આદિત્નાથ સરકાર આપશે. રામ જન્મભૂમિ ન્યાસને પણ જમીનનો માલિકી હક્ક આપવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદીત જમીનનો બહારનો અને અંદરનો હિસ્સો રામલલાનો હક્ક છે તેના માટે ટ્રસ્ટની રચના કરવાનું કહેવાયું છે.

– સૌથી મોટો સવાલ એ છે કે 2.77 એકર વિવાદીત જમીન પર કોનો હક્ક- બાબરી ઢાંચાની નીચે 12મી સદીમાં મંદિર હોવાની સાબિતી મળી છે, તે વાત કરતાં કોર્ટે વિવાદીત ભૂમિ પર મંદિર નિર્માણનો નિર્ણય આપ્યો છે. નવા ટ્રસ્ટની જ રચના કરાશે, અને તે ટ્રસ્ટ કેન્દ્ર સરકાર નક્કી કરશે.
– સુપ્રીમે કહ્યું છે કે હિન્દુઓ વિવાદીત સ્થળને ભગવાન રામનું જન્મસ્થાન માનતાં હતાં, તેમની આસ્થા સબૂતોને આધારે સાબિત થઈ છે. એએસઆઈના રીપોર્ટ અનુસાર બાબરી ઢાંચાની નીચે મંદિરના અવશેષો મળ્યાં છે. સુપ્રીમે કહ્યું છે કે હિન્દુઓને વિશ્વાસ છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં જ થયો છે, તેના પર કોઈ વિવાદ નથી.
– સુપ્રીમ કોર્ટે લોકોની આસ્થા અને વિશ્વાસનો સ્વીકાર કર્યો છે. બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જમીન પર થયું નહોતું, આ મામલામાં એએસઆઈનો રીપોર્ટને નકારી શકાય નહી. તે રીપોર્ટ સત્ય દર્શાવે છે.
– વિવાદીત સ્થળ પર 1856ની પહેલાં નમાઝ પઢાતી હોવાના કોઈ પુરાવા મળ્યાં નથી, પણ પૂજા થતી હોવાનો આધાર મળ્યો છે.
આવી અનેક ઝીણીઝીણી વાતો સુપ્રીમ કોર્ટે નોંધી છે, અને ત્યાર પછી ચૂકાદો જાહેર કર્યો છે.
ખૂબ મહત્વની વાત એ છે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, અને તેમાં આજે શનિવારે 9 નવેમ્બર, 2019ના રોજ આવેલા ચૂકાદાથી હિન્દુ કે મુસ્લિમભાઈ બન્નેમાંથી કોઈની હારજીત થઈ નથી. બન્ને ધર્મ મહાન છે. બન્ને ધર્મના લોકોએ ચૂકાદાને સર આંખો પર ચઢાવીને નવા સૂર્યોદયથી સંબધોની શરૂઆત કરવી જોઈએ. જૂના વેરઝેર ભૂલવા માટે ભારત દેશના વાસીઓ ખૂબ જ આગળ છે. જૈનધર્મમાં પર્યૂષણ પર્વે મિચ્છામી દુકડમ કહીને એકબીજાની માફી માગવાનો દિવસ છે, તેમ આજે પણ બન્ને ધર્મના લોકોએ મિચ્છામી દુડકમ કરીને જૂની વાતો ભૂલવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘રામભક્તિ હોય કે રહીમભક્તિ આ સમય આપણા માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે.’ પીએમ મોદીએ બિલકુલ સાચી વાત કહી છે, દેશભક્તિ સૌથી ઉપર છે. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આ નિર્ણય ન્યાયિક પ્રક્રિયાઓમાં જનસામાન્યના વિશ્વાસને મજબૂત કરશે, આપણા દેશની હજારો વર્ષોની પુરાણી ભાઈચારાની ભાવનાને અનુરૂપ 130 કરોડ ભારતીયો ને શાંતિ અને સંયમ જાળવવાનો પરિચય આપવો પડશે.

ભારત દેશવાસીઓને સલામ…