
સપ્ટેમ્બર, 2019ના કવાર્ટરમાં સોનાની માગ 32 ટકા ઘટી 123.90 ટનની રહી છે. વિશ્વમાં ચીન પછી ભારત સોનાનો વપરાશકર્તા દેશ છે, ભારતમાં જ્યારે આયાત ઘટે ત્યારે તે ચિંતાનો વિષય ગણાય છે. 2019ના વર્ષના સપ્ટેમ્બરને અંતે ત્રીજા કવાર્ટરમાં સોનાની આયાત 66 ટકા ઘટી 80.5 ટન રહી છે. 2019ના પ્રથમ નવ મહિનામાં સોનાની કુલ આયાત 502.9 ટન રહી છે, જે અગાઉના વર્ષે 587.3 ટન હતી. વર્ષ 2018માં સોનાની કુલ આયાત 755.70 ટન હતી. આયાત ઘટી તેની સાથે માગ ઘટી છે, સોનાચાંદી બજારમાં સ્લો ડાઉનની અસર સ્પષ્ટપણે જોવાઈ રહી છે.

હા લગ્નસરાની ખરીદીવાળાનું થોડું જૂદું છે. જૂનું સોનું આપીને નવા દાગીના લેવાનું પ્રમાણ સપ્ટેમ્બર કવાર્ટરમાં વધ્યું છે, જેને કારણે પણ નવા સોનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. રીપોર્ટ પ્રમાણે જોઈએ તો 2019ના વર્ષના નવ મહિનામાં જ જૂના સોનાનું રીસાયક્લીંગ વધીને 90.5 ટન થયું છે, જે ગત વર્ષે 87 ટન હતું.

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરનો અંત આવશે, તેવા સમાચાર પાછળ સોનાચાંદીમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવી રહી છે. બન્ને દેશો વચ્ચે પ્રથમ સમજૂતી પર સહી થશે, એવા અહેવાલો છે, પણ હજી સ્થળ નક્કી નથી. છેલ્લાં સમાચાર મુજબ ટ્રમ્પ અને જિનપિંગ ડીસેમ્બરમાં ટ્રેડ ડીલ માટે મળશે. તે પહેલાં નિયમો અને સ્થળ નક્કી થશે. જો કે એનાલિસ્ટોનું કહેવું છે કે ચીન સાથે ટ્રેડ ડીલ થશે, તે ટ્રમ્પની વોટબેંક માટે પોઝિટિવ થશે. ચીન સાથે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થશે તે ફાર્મિંગ કોમ્યુનિટી અને ટેકનોલોજી કંપનીઓને ફાયદારૂપ રહેશે.
બીજી તરફ અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયનના ઈકોનોમીનો ડેટા બહુ સારો આવ્યો નથી, જેથી વૈશ્વિક બજારમાં ગોલ્ડ અને સિલ્વર ફયુચરમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી, અને ભાવ પણ ઘટ્યા મથાળેથી સુધર્યા હતા.

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટીને 70.95-71 ડૉલર છે. ડૉલર મજબૂત થઇ રહ્યો છે. વૈશ્વિક માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વરમાં દરેક ઘટાડે ટેકારૂપી લેવાલીથી ભાવ ઘટીને સુધરી જાય છે, તો બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર સહીસિક્કા થશે, તે આશાવાદે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે સેલિંગ પ્રેશર આવી જાય છે. હાલ રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ છે.

વૈશ્વિક બજારમાં ગોલ્ડનો ભાવ 1485 ડૉલર છે. વર્ષનો હાઈ 1557 ડૉલર છે, અને લો 1196 ડૉલર છે. હાલમાં ગોલ્ડનો ભાવ સ્ટેડી છે, અને રોકાણકારો ગોલ્ડમાં 1450 ડૉલરનો ભાવ આવે તો રોકાણ કરવા માટે રાહ જોઈને બેઠાં છે, કારણ કે 1452 ડૉલરનો ભાવ એ લાંબા ગાળાનો સપોર્ટ ભાવ છે. ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં પ્રથમ સપોર્ટ 1472 ડૉલર અને બીજો સપોર્ટ 1460 ડૉલરનો છે, અને ત્રીજો સપોર્ટ 1452 ડૉલરનો આવે છે. જ્યારે ઊંચામાં ગોલ્ડમાં પ્રથમ રેઝિસ્ટન્સ 1503 ડૉલર, બીજું રેઝિસ્ટન્સ 1523 ડૉલરનું આવે છે. ટૂંકાગાળાના ટ્રેડરો માટે ગોલ્ડ સેલમાં પડ્યું છે. સ્થાનિકમાં અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાનો ભાવ રૂપિયા 39,700 છે અને હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 38,905 છે.

વૈશ્વિક બજારમાં સિલ્વરનો ભાવ 17.55 ડૉલર છે. તેનો વર્ષનો ઊંચો ભાવ 19.60 ડૉલર અને નીચો 13.99 ડૉલર છે. સિલ્વરમાં 17 ડૉલરએ લાંબાગાળાનો સપોર્ટ પ્રાઈઝ છે. 17 ડૉલર આસપાસની ખરીદી લાંબાગાળે સારુ રીટર્ન આપશે. ટેકનિકલી સિલ્વરમાં 17.36 ડૉલરએ પ્રથમ સપોર્ટ લેવલ છે, અને 17.15 ડૉલરએ બીજુ સપોર્ટ લેવલ છે. જ્યારે ઉપરમાં 17.92 ડૉલરએ પ્રથમ રેઝિસ્ટન્સ લેવલ છે અને 18.28 ડૉલરએ બીજુ રેઝિસ્ટન્સ લેવલ છે. ટૂંકાગાળામાં ટ્રેડિંગ કરતાં હોય તેમના માટે સિલ્વર ફયુચર સેલમાં છે. સ્થાનિક અમદાવાદ સોનાચાંદી બજારમાં ચાંદી ચોરસાનો ભાવ રૂપિયા 45,500-46,500 ચાલી રહ્યો છે.