
ચીન માટે ભારે ચિંતાનો વિષય છે કે વર્ષ 1992 પછી કોઈપણ ત્રિમાસિકગાળામાં ચીની અર્થવ્યવસ્થાનો સૌથી ખરાબ ગ્રોથ રેટ આવ્યો છે. એટલે કે 27 વર્ષ પછી ગ્રોથ રેટ આટલા નીચા સ્તરે જોવા મળ્યો છે. જો કે ચીની સરકારે 2019 માટે આર્થિક વૃદ્ધિ દરનો લક્ષ્ય 6.5 ટકા રાખ્યો હતો, પણ નોંધનીય છે કે વીતેલા વર્ષે ચીનનો આર્થિક વૃદ્ધિ દર 6.6 ટકા રહ્યો હતો.
ચીનની સરકાર સફાળી જાગી છે. આર્થિક વૃદ્ધિ દર ઘટીને આવતાં અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા અને અમેરિકાના ટ્રેડ વૉરની અસર ન પડે તે માટે અનેક પગલા લીધાં છે, અને સરકાર હજી પણ નવા પગલાં ભરવા વિચારી રહી છે. ગ્લોબલ લેવલ પર નરમાઈ છે, અને વિદેશમાં વેપારમાં વધતી અનિશ્રિતત્તાઓ વચ્ચે સ્થાનિક ડીમાન્ડ ખૂબ ઘટી છે, તે ચીન માટે ચિંતાનું કારણ છે. પણ ચીને અર્થવ્યવ્સથાને બૂસ્ટ કરવા માટે આમ લોકોને રાહત આપવા માટે ટેક્સમાં ઘટાડો કર્યો છે. સાથે સ્ટોક માર્કેટમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે કેટલાય પ્રતિબંધ હટાવ્યા છે. ચીનની સેન્ટ્રલ બેંકોએ સીસ્ટમમાં બેંકોમાં મીડિયમ ટર્મ લેન્ડિંગ સુવિધા દ્વારા 28 અબજ ડૉલર એટલે કે 200 અબજ યુઆન પમ્પ કર્યા છે. જેનાથી સીસ્ટમમાં લિક્વિડિટી વધારી શકાય.

અમેરિકા તો મંદી વચ્ચે ઝઝૂમતું હતું, ત્યાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ અપનાવી. તેની સાથે ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી. તો સામે ચીને પણ અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ડયૂટી વધારી હતી, અમેરિકા અને ચીન વચ્ચેના આ ટ્રેડ વૉરના ગંભીર પરિણામો એશિયાઈ દેશો પર પડ્યાં છે. વિદેશી રોકાણ ઘટ્યું છે, અમેરિકાના રોકાણકારોએ એશિયાઈ દેશોમાં કરેલ રોકાણ પાછું ખેંચ્યું છે. આયાત નિકાસમાં ખાસ્સો ઘટાડો થયો છે. તમામ દેશોની વિદેશી હૂંડિયામણની તુલા વેરવિખેર થઈ ગઈ છે. ફોરેક્સ માર્કેટમાં પણ ભારે હલચલ જોવા મળી છે. હા એક વસ્તુ છે અમેરિકન ઈકોનોમી મજબૂત થઈ છે, અને અમેરિકન સ્ટોક માર્કેટ તેજીમાં છે અને અમેરિકન ડૉલર પણ સ્ટ્રોંગ થયો છે. જો કે આ બાબત ટૂંકાગાળાની હોઈ શકે. લાંબાગાળે અમેરિકા પર ટ્રેડ વૉરની અસર ચોક્કસ જોવા મળશે.
અમેરિકાની સામે ચીન પર ટ્રેડ વૉરમાં જંગે ચઢયું છે. ચીને પણ અમેરિકાથી આયાત થતી 60 અબજ ડૉલરની વસ્તુઓ પર 25 ટકા ટેરિફ વધારી દીધી છે. બે બળિયા બાથે વળગ્યાં જેવી સ્થિતિ થઈ છે. તેની પહેલાં અમેરિકાએ ચીનથી આયાત થતી 200 અબજ ડૉલરની પ્રોડક્ટસ પર ટેરિફ વધારી હતી. ચીન સાથેના ટ્રેડ વૉર વચ્ચે પણ અમેરિકાના પ્રેસિડન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પે માન્યું હતું કે તેમની વેપારી નીતિને કારણે અમેરિકામાં ટૂંકાગાળા માટે આર્થિક મોરચે મુશ્કેલી આવી શકે છે. પણ તેમને મંદીનો ડર નથી, એમ કહીને વાતને વાળી લીધી હતી. જોકે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરને કારણે એશિયાઈ દેશોને ગંભીર અસર થઈ છે. તેમાં પણ ભારતની ઈકોનોમી પર વિપરીત અસર પડી છે. પીએમ નરેન્દ્ર મોદી અર્થતંત્રને વેગ આપવા માટે પગલા લઈ રહ્યા છે.

ચાલો કાંઈ નહી દેર આયે દુરસ્ત આયે…

