
હા… જીડીપી ગ્રોથ ઘટીને આવ્યો. ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને આવ્યું છે. રૂપિયો નબળો પડ્યો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ વધ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર છે, તેની સીધી અસર એશિયાઈ દેશોની ઈકોનોમી પર મંદીની અસર પડી છે. ઈરાક અને ઈરાન વચ્ચે તંગદિલી ઉભી થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવ ઉભો થયો છે. ભારત સરકારે કશ્મીરમાંથી 370 કલમ હટાવી છે, જેને લીધે પણ નવા વેપાર-ધંધામાં ડિમાન્ડ ઘટી છે. રીટેઈલ અને જથ્થાબંધ મોંઘવારી વધી છે. ઓટોમોબાઈલ સેકટરના વેચાણના આંકડા ઘટીને આવ્યા છે. તેની સાથે બેરોજગારી પણ વધી છે. જીએસટીના ઊંચા દરને કારણે કોર્પોરેટ સેકટરને પ્રોફિટ માર્જિનમાં ઘટાડો નોંધાયો છે. આ તમામ ઈકોનોમીની મંદીના સમાચાર છે. અને તે સાક્ષી પણ પુરે છે કે ભારતીય અર્થતંત્રમાં મંદી વ્યાપી છે.

ઈકોનોમીના પેરામીટર્સ નબળા આવ્યા એટલે સ્વભાવિક છે કે રેટિંગ એજન્સીઓ પોતાના રેટિંગમાં ઘટાડો કરે, અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ જીડીપી ગ્રોથના ટાર્ગેટમાં ઘટાડો કરે. આવા સમાચાર આવે એટલે બહુ મદી છે… બહુ મદી છે… ની બુમો શરૂ થાય. અને મંદી હોય તેના કરતાં વધારે મોટી થવા લાગે. પણ હકીકતમાં જોવા જઈએ તો જીડીપી ગ્રોથ જેવો ઘટીને આવ્યો કે તુરંત કેન્દ્ર સરકાર હાંફળીફાંફળી બની છે, અને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે અનેક પગલા લીધા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને કોર્પોરેટ ટેક્સ ઘટાડો તો કર્યો, અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં નવા ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત પણ કરી છે. નબળી બેંકોનું સબળી બેંકોમા વિલીનીકરણ કરી દીધું, તેમજ અન્ય સરકારી બેંકોને ફંડ પણ આપ્યું છે. સરકારે અનેક પગલા લીધા છે, અને હજી વધુ પગલા લેવા વિચારી રહી છે. જીએસટીમાં ઘટાડો અને વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં પણ છૂટછાટ અપાય તેવી શક્યતા છે.

અર્થતંત્રની મંદી દૂર કરવા માટે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 22 ટકા અને સરચાર્જ તેમજ સેસ મળીને કુલ 25.17 ટકા થવા જાય છે, જે પહેલા આ દર 30 ટકા હતો. જે પછી આઈએમએફના ડાયરેક્ટરે કહ્યું હતું કે વીતેલા બે ત્રિમાસિકગાળામાં સુસ્તી નોંધાયા પછી ભારતી અર્થવ્યવસ્થા માટે ચાલુ નાણાકીય વર્ષમાં અનુમાનિત ગ્રોથ રેટ 6.1 ટકા રહેશે, આ ગ્રોથ 2020માં વધીને 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

મંદીની વાતો કરનારા ઝાઝા છે. પણ તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધનારા ખુબ ઓછા છે. ખરેખર તો મંદીમાંથી બહાર નીકળવા માટે સરકારને સૂચનો કરવા જોઈએ. નહી કે ટીકા. દેશપ્રેમ તો જ કહેવાશે કે આપણે ભારત દેશને મંદીમાંથી ઉગારીને વિશ્વની મહાસત્તા તરફ લઈ જઈશું. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે લીધેલા પગલાની પોઝિટિવ અસર આગામી છ મહિનામાં જોવા મળશે. વિદેશી રોકાણ ભારતમાં વધુ આવશે, તેમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી. વિદેશીઓ સાથેના સંબધો વધુ ઘનિષ્ઠ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે દેશનો પ્રવાસ કરે છે ત્યાં ભારતના બજારનું અદભૂત માર્કેટિંગ કરે છે, ત્યાંના રોકાણકારોને ભારતમાં રોકાણ લાવવા આહ્વાન કરે છે. તે જ બતાવે છે કે મોદી સરકાર વિદેશી રોકાણકારો માટે ભારતમાં લાલ જાજમ બિઝાવે જ છે, અને આથી જ ભારતમાં આગામી દસ વર્ષમાં જંગી રકમનું રોકાણ આવશે.

અત્યાર સુધી કેન્દ્ર સરકારે મંદીને દૂર કરવા માટે જે પગલા લીધા છે, તે યોગ્ય છે, પણ તે તો સમય આવે ત્યારે જ ખબર પડશે. પણ હાલ મંદીને દૂર કરવા માટે સરકારે વધુ ગંભીર થવાની તાતી જરૂર છે. જો કે સ્ટોક માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ છે, જે બતાવે છે કે ભારતીય અર્થતંત્રની મંદી દૂર થઈ રહી છે.