ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(Gujarat CM Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.(17 new talukas have been formed in Gujarat)
રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે(Rishikesh Patel) જણાવ્યું હતું કે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે.
પ્રવક્તા પ્રધાને ઉમેર્યું હતું કે વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન તરીકે તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. વર્ષ 2013માં નવા 23 તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે. તેમણે કહ્યું હતું કે, આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે. એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.
પ્રવક્તા પ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પૂરવાર થશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરાશે.