
ગુજરાત સરકારે તાજેતરમાં નવી ઔદ્યોગિક પૉલીસી જાહેર કરી છે, જેમા સીંગલ વિન્ડોથી માંડીને નવા રોકાણ પર અનેક રાહતો અને સહાયની લહાણી કરી છે. તેવી જ રીતે ભારત સરકારે પણ આત્મનિર્ભર ભારતની વાત કરી છે, તેની સાથે વિદેશી રોકાણ આકર્ષવા માટે પણ લાલ જાજમ બિછાવી જ છે. અમેરિકા સાથેનું ટ્રેડવૉર અને કોરોના વાયરસના સંક્રમણ પછીની સ્થિતિ ભારત માટે લાભદાયી બની રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

હવે સરકાર આ જ રણનીતિને ફાર્મા, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ અને ફૂડ પ્રોસેસિંગ સેકટરમાં અમલમાં લાવવા માટે વિચાર કરી રહી છે. જો કે ચીન અને અમેરિકામાં વેપાર તંગદિલી અને કોરોના સંકટનો ફાયદો ભારતને મળશે, પણ તેની પહેલા રેસમાં સૌથી પહેલા વિયતનામનું નામ છે. જ્યારે કમ્બોડિયા, મ્યાંમાર, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ જેવા દેશોમાં કંપનીઓ મોટા પાયે રોકાણ કરી રહી છે. સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડના એક સર્વે આ વાત સામે આવી છે.

મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ અનુસાર મોદી સરકાર મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવામાં જોડાઈ છે. હાલમાં આ સેકટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 15 ટકા યોગદાન છે, જેમાં વધારીને સરકાર 25 ટકા સુધી લઈ જવા પર વિચાર કરી રહી છે. મોદી સરકાર તે પહેલા કંપનીઓ પર ટેક્સમાં ઘટાડો કરી ચુકી છે, જેનાથી વધુ રોકાણને આકર્ષી શકાય.
21મી સદી ભારતની છે, તે વાત સાચી સાબિત થશે. ચીનની અનેક કંપનીઓ ભારતમાં રોકાણ લઈને આવશે. અને અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી પછી ભારતની આર્થિક પ્રગતિ વધુ ઝડપી બનશે.